કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૦. મીંચાયેલી આંખે


૨૦. મીંચાયેલી આંખે

લીલીછમ બિછાત પર
એક વૃક્ષના પગની આસપાસ
ચારે તરફ ફેલાયેલાં જોયાં
લાલ લાલ ફૂલો.
કોઈકે
સમુદ્રનાં ફીણ ફીણને
છૂટાં પાડીને
ઊગતા સૂરજના રંગમાં રંગ્યાં હોય એવાં
લાલ લાલ ફૂલો.
રંગની સૃષ્ટિની
મને માયા છે
જેટલી મેપલ વૃક્ષની છે એટલી.
કાળા અને ધોળા રંગ માટે
એ રંગ છે એ કારણે
એને અવગણી શકતી નથી
પણ
કાળા અને ધોળાં રંગ માટે
મને ખુલ્લેખુલ્લો પક્ષપાત નથી.
મને રંગના ભેદમાં રસ નથી
મને રસ છે
રંગની છટામાં
રંગની ઘટામાં.
મારે માટે
રંગ
એ ભાષા છે.
અને
ભાષાને પણ
પોતાને એક રંગ હોય છે એવું
મેં કેટલીય વાર અનુભવ્યું છે.
રંગને પણ એક રૂપ હોય છે
રંગને સ્વ-રૂપ હોય છે.
મૌન
એ ભાષાનો મૂળ રંગ છે
અને પછી
એ રંગમાંથી જ પ્રગટે છે
હૃદયનાં સ્પંદન સાથેના
અનેક રંગ.
રંગની ભ્રમણામાં નહીં
પણ
રંગની રમણામાં જીવવાનું
હું વધુ પસંદ કરું છું.
રાતને સમયે
કોઈક
પોતાના એકાંતમાં
વાયોલિન કે પિયાનો વગાડતું હોય
ત્યારે
સૂરનાં કેટલાંય રંગબેરંગી પતંગિયાંઓને
હું મીંચાયેલી આંખે
ઊડતાં જોયાં જ કરું છું
અને
રંગના સરોવરમાંથી
હું પોતે પ્રગટું છું
મારું જ
એક અજાણ્યું રૂપ લઈને.
ઝરૂખે ઝૂકીને
કોઈકની પ્રતીક્ષા કરતી
કોઈ સ્ત્રીને
તમે કદીય ધારી ધારીને જોઈ છે?
એની આંખમાં
એના શ્વાસના કેટલાય રંગ
ઊઘડે છે અને બિડાય છે.
કોઈક આવશે-ની આશા હોય
એને આપણે કયો રંગ આપીશું?
અને
કોઈક નહીં જ આવે-ની
નિરાશા હોય ત્યારે
આપણે એને કાળા રંગ સાથે જોડી દઈએ
તોપણ
એના વિષાદનો રંગ
પૂરેપૂરો ઊઘડે છે ખરો?
શયનખંડમાં
કદીય એક રંગ ઊઘડતો નથી
અંધકારમાં પણ
રંગનું અસ્તિત્વ
અલગ રીતે પ્રગટ્યા કરે છે.
અરીસાને સામે
જ્યારે ક્રીડા થતી હોય છે
ત્યારે
લજ્જાનો રંગ
અરીસાને મળે છે
કે
અરીસાનો રંગ લજ્જાને?
રંગ પાસે પણ હોય છે
અરીસા જેવી પારદર્શકતા
શયનખંડનાં ઝુમ્મરો
એકાએક રણકી ઊઠે છે
અને
આસપાસ વીંટળાઈ વળે છે
રંગની સૂરાવલિ.
એકમેકના સ્પર્શે
ઊછળતા રંગના સમુદ્રમાં
પથારી હોડી થઈને
તરવા માંડે છે.
કોઈ પણ કિનારાને ન ઝંખતી હોડીને
મળે છે
સમુદ્ર અને આકાશનો રંગ.
જ્યારે
કોઈક સબમરિનની ગતિથી
મારામાં ખૂબ ઊંડે ઊતરી જાઉં છું
ત્યારે
હું જોઉં છું
રંગના અનેક મહેલો
રંગનાં ભયાનક જંગલો.
આ વિસ્મય અને ભયના રંગનો
અનુભવ
બહાર આવીને
હું બાળકની આંખમાં
નવેસરથી પામું છું.
યુદ્ધ પૂરું થઈ ગયા પછી
તમે કોઈ દિવસ
યુદ્ધની એ ધરતી પર ચાલ્યાં છો ખરાં?
મને ત્યાં કેવળ
લોહીનો રંગ નથી દેખાતો.
મને તો સંભળાય છે
આંસુ ને ડૂસકાંઓના
રંગ કહેવાનું મન ન થાય
એવા રંગો.
આ બધા કંઈ મારા મનના તરંગ નથી
અને
તરંગ હોય તોપણ
તરંગનો પણ એક રંગ છે.
આથમતી સાંજે
કેટલીય વાર
હું મારા ઘરના ખૂણામાં બેસીને
ઘરના ઉંબરા ઓળંગી જાઉં છું.
જે રસ્તા પર
હું ચાલી નથી
એ રસ્તાના કેટલાય રંગો
મારા પગના તળિયામાં કણસી રહ્યા છે.
એક દિવસ એવો ઊગશે
કે જ્યારે
સામે ચાલીને
હું મરણને
મારા આશ્લેષમાં લઈશ
ત્યારે
મારા ચહેરા પર કોઈ રંગ ઊઘડશે ખરો?
પણ
એ રંગ કયો હશે, કેવો હશે
રંગ હશે કે નહીં
એનાથી
અત્યારે તો હું સાવ અજાણી છું.
એક વાત
તમને કાનમાં કહું?
મને
અજાણ્યા રંગની માયા લાગી છે.


(વિદેશિની, પૃ. ૨૯૫-૨૯૯)