કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૬. દીવાનખાનામાં


૬. દીવાનખાનામાં

દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી—
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન—
આ બધાંમાં મને ક્યાં ગોઠવું?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
— પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.


(વિદેશિની, પૃ. ૩૩)