કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ચહેરો

૩૯. ચહેરો

નજરમાં હમેશાં તરે એ ચહેરો.

હૃદયને હમેશાં ભરે એ ચહેરો.


દિને સૂર્ય-તેજે સુનેરી સુનેરી :
શશીની નિશામાં રૂપેરી રૂપેરી :
તિમિરમાં ય, હેતે રહે ગાઢ ઘેરી.

નર્યું કાંઈ અમરત ઝરે એ ચહેરો.


નયનમાં રહેતો એ નમણો ચહેરો.
જુઓ, તેમ ગમતો એ બમણો ચહેરો.
હુલાસે, હમેશાં ઉગમણો ચહેરો.

નવું રૂપ નિત્યે ધરે એ ચહેરો.
૧૦


સદા પ્રેમ-રંગે ગુલાબી ગુલાબી.
ફિકર કેરી ફાકી કરેલો, નવાબી.
જગતમાં; છતાં યે, જગતનો ન; ખ્વાબી

નયન મીંચું; ને, તરવરે એ ચહેરો.
૧૪


તપ્યા લોહ જેવો એ તાતો ચહેરો.
કૂંળાં ફૂલ જેવો સુહાતો ચહેરો.
મદે ભીતરી કોઈ, માતો ચહેરો.

પડેલાંને બેઠાં કરે એ ચહેરો.
૧૮


બધાંની સહે એ હરે છે, ફરે છે.
બધામાં ખુશીથી હળે છે, મળે છે.
કદી, આંસુ યે એ નયનથી ઝરે છે.

છતાં, સૌથી ઊંચે તરે એ ચહેરો.
૨૨


અજાણી અમીરાત ધરતો ચહેરો.
હૃદયમાં નવી ભાત ભરતો ચહેરો.
અનેરા ઉમળકે ઊભરતો ચહેરો.

નહીં ક્યાંય જોયો ખરે, એ ચહેરો.
૨૬


નહીં એ; નહીં એ અહીંનો ચહેરો.
હૃદય પૂછતું  : ‘છે કહીંનો ચહેરો?’
કહે કોઈ  : ‘ગેબી તહીંનો ચહેરો.’
છતાં, શો અહીંઆ ફરે એ ચહેરો?૩૦

(‘નૈવેદ્ય’, પૃ.૬૯-૭૦)