કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૫. વિહંગઃ સ્ટેશને


૨૫. વિહંગઃ સ્ટેશને

પ્રિયકાન્ત મણિયાર

વળાંક લેતી, બહુ ચીસ પાડતી
પ્રવેશતી, વેગ પ્રચંડ વારતી.
ઉતારુઓ મેળવતી, વિછોડતી,
ગાડી ઊભી જ્યાં પલવાર સ્ટેશને
કૈં માઈલોની મજલો વટાવી,
હાંફ્યે જતું એન્જિન, શ્વાસ મૂકતાં,
હવા ગઈ દાબ થકી ચિરાઈ.

એના અવાજે બહુ હારબંધ
વિહંગ બેઠાં સહુ એકસામટાં
લાંબા પડ્યા સ્ટેશન-છાપરેથી
એવાં ઊડ્યાં કે ભરપૂર વૃક્ષનાં
ખરી પડ્યાં પર્ણ અકલ્પ્ય સામટાં.

હેઠો પડ્યો શ્વાસ, પરંતુ યંત્રનો
ઘડીકમાં, એ જ વિહંગ સર્વ
પાછાં વિરામ્યાં સ્થળ એ જ શોધતાં.

જે વેગથી પર્ણ ખરી ગયેલાં
ફૂટ્યાં ફરીથી સહુ ત્યાં જ પાછાં.
(આ નભ ઝૂક્યું, પૃ. ૬૩-૬૪)