કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૪. કાળ
૧૪. કાળ
પ્રિયકાન્ત મણિયાર
આ કશું
કાળનું રે પશુ?
જે મળ્યું તે ઉંદરની મહીં ઓરતું,
(સર્વ એ ક્યાં જતું?)
તરલ જલને વિશે સરતું કો મીન
હો, કે હરણ કેલિમાં લીન
યે, તૃણ ચરે અશ્વ મેદાનમાં,
કે વિહગ મત્ત કૈં ગાનમાં,
ગાય ફાડી રહ્યો સિંહ
કે યોનિમાંથી હજી પ્રસવ રે પામતું માનવી ડિમ્ભ
હો, ભક્ષ્યમાં ભેદ ના કોઈ એને અરે
સતત બસ ચર્વણા, દંષ્ટ્રથી રક્ત કેવું ઝરે;
શિશુ અને વૃદ્ધનો સ્વાદ જુદો નહીં.
નર અને નારમાં અલગ નવ કોઈ વૃત્તિ રહી.
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૨)