કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૬. ચમેલીનો ઠપકો


૧૬. ચમેલીનો ઠપકો

બાલમુકુન્દ દવે

ચટકીલી મોરી ચમેલડી રે,
લૂમે લૂમે લટક્યાં ફૂલ ’લી ચમેલડીઃ
ઝાઝાં ઉછાંછળાં ના થૈએ જી રે.

ચટકીલી મોરી ચમેલડી રે,
માનભર્યાં મોઘમમાં રૈએ ’લી ચમેલડી!
ગોપવીએ ગોઠડીને હૈયે જી રે.

ખીલે સરવર પોયણી, રમે ચન્દ્રશું રેન,
પરોઢનો પગરવ થતાં, લાજે બીડે નેન.

ચટકીલી મોરી ચમેલડી રે,
ઝાઝા ના ગંધ ઢોળી દૈએ ’લી ચમેલડી!
જોબનને ધૂપ ના દૈએ જી રે.

ચટકીલી મોરી ચમેલડી રે,
વાયરાના વાદ ના લૈએ ’લી ચમેલડી!
ઘેર ઘેર કે’વા ના જૈએ જી રે.

સ્વાતિમાં સીપોણીએ જલબિંદુ ઝિલાય,
વિશ્વ ભેદ જાણે નહીં, મોતી અમૂલખ થાય!

ચટકીલી મોરી ચમેલડી રે,
ભમરાની શી ભૂલ ’લી ચમેલડી!
પોતે જો ઢંગે ના રૈએ જી રે?

ચટકીલી મોરી ચમેલડી રે,
રૂપનાં રખોપાં શીખી લૈએ ’લી ચમેલડી!
દૂજાંને દોષ ના દૈએ જી રે.

૩૧-૮-’૫૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૫૯)