કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨. સમદર


૨. સમદર

બાલમુકુન્દ દવે

સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય!

કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!

બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

૧૯૫૨
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૪)