કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૬. પારાવારના પ્રવાસી


૩૬. પારાવારના પ્રવાસી

બાલમુકુન્દ દવે

આપણે તે દેશ કેવા?
આપણે વિદેશ કેવા?
આપણે પ્રવાસી પારાવારના હે...જી.

સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા,
કોટડાં કૂદીને ભાગ્યા,
આપણે કેદી ના કારાગારના હે...જી.
આપણે પ્રવાસી પારાવારના હે...જી.

આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી,
પાંખ જો પ્રકાશ-ભીંજી,
આપણે પીનારાં તેજલધારનાં હે...જી.
આપણે પ્રવાસી પારાવારનાં હે...જી.

આપણે ભજનિક ભારે,
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે,
આપણા આનંદ અપરંપારના હે...જી.
આપણે પ્રવાસી પારાવારના હે...જી.
૧૪-૮-’૪૬
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૨)