કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૮. જલ બોલે


૪૮. જલ બોલે

બાલમુકુન્દ દવે

જલ રે બોલે ને કાંઠા સાંભળે,
ઝોકાં ખાતાં જાગી જાયે ઝાડઃ
જંપેલાં પંખીડાં માળે જાગતાં,
આભલાં આળોટે અંતરિયાળ!
જલ રે બોલે ને કાંઠા સાંભળે.

અમે રે વંટોળથી અળવીતરાં,
અમને ના નડે વંડી-વાડઃ
વસ્તીમાં આવીને અમે સોરતાં,
અમારાં તો પિયર દૂરના પહાડ!
જલ રે બોલે ને કાંઠા સાંભળે.

અમે જો ખીજ્યાં તો ભૂંડાં આગથી,
રીઝ્યાં તો વળી કંકુથી રળિયાતઃ
અનાથ્યાં જોબન, કુંવારા ઓરતા,
કોની આગળ કહીએ મનની વાત?
જલ રે બોલે ને કાંઠા સાંભળે.

વીંધાયાં મોતીડાં કંઠે ઓપતાં
વાંસને વીંધ્યો ને જાગ્યા સૂરઃ
સઢમાં અંતરાયો જ્યારે વાયરો
નાવ ચાલી વીંઝી ઘોડાપૂર!
જલ રે બોલે ને કાંઠા સાંભળે.

નિરંકુશ શક્તિના અમે ધોધવા
પાષાણોમાં ખાધી બહુ પછડાટ!
કોણ રે પરખંદો અમને નાથશે?
કોણ અમને દેશે નવલા ઘાટ?
જલ રે બોલે ને કાંઠા સાંભળે.

૧૩-૯-’૬૧
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૬૪)