કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૫૦. બારણાં વાસીને
૫૦. બારણાં વાસીને
બારણાં વાસીને તું બેસી રિયો રે
તને પાડે આ સાદ અલેકિયો
હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
તારી ઝાંખી મેડી ને પાંખી જાળિયું રે
કડડડ વીજને કડાકે વસ્તુ સૂઝે રે
હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
તારે કૂંડાળે સીમડિયું તેં ચીતરી રે
એમાં રંગનું કાચું તારું કામ રે
હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
તારી ઊંચી ધજા ને નીચી દેરિયું રે
તારી મૂરતિમાં મોહ્યું તારું મોરું રે
હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
તારાં ઝાંઝવાંને પીએ ઝંખા જીવની રે
તું તો તરસે તરસે તરી જાય રે
હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
૧૮-૪-’૮૨ (ગુલાલ અને ગુંજાર, ૧૯૯૭, પૃ. ૩૬)