કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૮. શિકારી

૮. શિકારી


સુતીક્ષ્ણ, દૃઢ ન્હોર પ્રોવી, નિજ નેત્રનાં ખંજરો
ઘુમવી ચહુંઓર, બંકિમ હલાવી ગ્રીવા જરા,
‘ગરૂર, બલવંત બાજ ચુપચાપ બેઠો અહીં
કમાન સમ સ્નાયુ તંગ સહુ ખેંચી પોલાદ શા!
અચૂક નિજ એક નિષ્ઠુર તરાપમાં તત્પર.
હજી પલક મારતાં નયન, ત્યાં હવા ચીરતી
સકંપ ભયઘોર ચીસ ઢળતી, દબાતી ગઈ.
પડેલ મૃદુ કંઠ પે નખ કઠોર પંજા તણા,
જરાક ફફડાટ ને અવશ માંસપિંડો હવે
પડ્યો પકડમાં, નહીં નજર ક્યાંય આંબી શકે,
હલે ટગલી ડાળીએ સઘન શ્યામ જાંબુ ઘટા.
અદીઠ, સૂમસામ સર્વ, પણ પિચ્છ પીંખાયલાં
રહી રહી ખરી રહ્યાં, ગરમ લોહી લોહીભર્યાં.
સવેગ સુસવાટ એક, કિલકારી શી હર્ષની!
અને પ્રબળ પાંખની ઝપટ પર્ણપર્ણે પડી,
અહીં પટકતી રહી શિર અનાથ પારેવડી.

૨૪-૭-’૫૪ (ગોરજ, ૧૯૫૭ પૃ. ૧૩)