કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/કાંઈ કહેવાયું નહીં


૪૫. કાંઈ કહેવાયું નહીં


એ હતાં સામે છતાં એક વેણ બોલાયું નહીં,
બે કદમ મંઝિલ હતી, રાહીથી પહોંચાયું નહીં.

એમની પાસે ઘડિક બેઠા પછી દિલને થયું,
જે થયું સારું થયું કે કાંઈ બોલાયું નહીં.

મેં ઘણું ચાહ્યું કે ટીપુંય આંખથી ટપકે નહીં,
પણ જીવનનું જળ હૃદય મટકી મહીં માયું નહીં.

આમ તો કોને ભલા કરવી ગમે લાંબી સફર?
એ અલગ છે વાત, એનું વેણ ઠેલાયું નહીં.

કેટલું કહેવું હતું ગાફિલને આ ગઝલો મહીં?
એમ લાગે છે કે જાણે કાંઈ કહેવાયું નહીં.

(બંદગી, પૃ. ૩૧)