કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ગુરુ મારો ગરવો મેહુલિયો


૧. ગુરુ મારો ગરવો મેહુલિયો

ગુરુ મારો ગરવો મેહુલિયો,
ચડ્યો મારા ચિતને અકાશઃ
ગુરુ મારો ગરવો મેહુલિયો.
દૂરથી દેખું હું એ અવધૂત ને,
આંજે એની આંખ્યુનો અંજવાસઃ
ગુરુ મારો ગરવો મેહુલિયો.
ગગન ગુંજાવે એની ગુંજના,
સંસા મારી એથી હોવે નાશઃ
ગુરુ મારો ગરવો મેહુલિયો.
વરસે છે ઝીણી ઝરમર ઝાલરી,
હરે મારા હૈયાનો હુતાશઃ
ગુરુ મારો ગરવો મેહુલિયો.
શીળી રે છાયામાં એની સંચરું,
પૂરશે એ આયખાની આશઃ
ગુરુ મારો ગરવો મેહુલિયો.

(રામરસ, ૧૯૫૬, પૃ. ૬)