કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ઘડીક રાહ જોજે


૪૭. ઘડીક રાહ જોજે

ઘડીક રાહ જોજે તું મારી, ઓ દિલબર!
રહી લેણદેણો પતાવી ને આવું,
કહે તું જ, ઘટે શું મને કે તને પણ
જો ફરજો પડી કે ફગાવીને આવું?
હૃદયમાં રહી એક છેલ્લી મનીષા,
હસાવ્યા છે એને હસાવીને આવું,
તને શું છે લાજિમ કે જેની સહे છે
પ્રણય એ સહુને રડાવીને આવું?
હજી કૈંક રોકી રહ્યાં રગરગીને,
કહે તો હું એને મનાવીને આવું,
હું આવીશ દિલબર, કહે તે કસમ છે,
પરંતુ સૂતું પડ જગાવીને આવું?
હું અવધૂત વેશે, તું છો રૂપરાશિ,
શું ગમશે તને આમ આવું વિરૂપે?
મને થાય, ગમતું કરું તારું દિલબર,
કહે તે ભૂષા હું સજાવીને આવું.
રહું દૂર તોયે સતત જો મનન છે
તો તારી સમીપે સદા સર્વદા છું;
પછી થાય છે ટાળવા આવું અંતર્
સમીપે હું તારી ન આવીને આવું.
લગન જો લગી છે મને રમ્ય તારી,
હું માંગલ્યકારી મિલન જો ચહું છું,
ઘટે તો મને શું કે આ વસ્લ વેળા
ભસમ ને ભભૂતિ લગાવીને આવું?
ઘણું થાય સારું કે ચૂપચાપ જગથી
સરી આવી જાઉં તુરત તારી પાસે,
હું ગાફિલ છું એથી મને થાય છે મન
કે વીણા હું તારી બજાવીને આવું.

(બંદગી, પૃ. ૩૭-૩૮)