કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/જંતર વાગે


૧૯. જંતર વાગે

જંતર વાગે જીવતર કેરું.
પૃથ્વીના પાષાણપ્રણયથી અધિક ઊંચેરું, અતીવ અનેરું.
જંતર વાગે જીવતર કેરું.

ફૂલ જોઈ એ બજે પરાગે,
રાગ જોઈ બજતું વૈરાગે,
શબ્દ સૂરની પાર જવા એણે ધર્યો સાધના ગેરુ.
જંતર વાગે જીવતર કેરું.

પર્વત એને ધૂળની ઢગલી,
ભોમકા એને દશ વીશ પગલી,
મહાસાગરનાં મધજળ એને એક નનકડું નેરું.
જંતર વાગે જીવતર કેરું.

બહુ દિન ગાયા મોતમલાવા,
અવ શાશ્વત જીવનને ગાવા,
ડેરા તંબૂ ઉઠાવ અહીંથી પ્રણવ, પ્રાણના ભેરુ!
જંતર વાગે જીવતર કેરું.

(રામરસ, પૃ. ૧૦૨)