કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પંડના છે પડછાયા


૩૪. પંડના છે પડછાયા

એવી અચરજ જેવી માયા,
પંડમાં પંડના છે પડછાયા.

આપે જ હાકોટો માર્યો હાકલનો,
આપ જ ભેભીત ધાયા;
આપે જ એને ધરપત આપી,
આપ જ સંતોષાયા. —
પંડમાં પંડના છે પડછાયા.

કેસરી સિંહ તમે કૂપમહીં કાં
મ્હોરું જોઈ ભરમાયા?
કૂદકો માર્યે કાંઈ ન મળશે,
આપે આપ ઠગાયા.—
પંડમાં પંડના છે પડછાયા.

પડછાયાને પી જવાનો
કસબ કોઈક પાયા;
દાસ સરોદ કહે, પૂરા પીર એ
પંડે પંડ સમાયા.—
પંડમાં પંડના છે પડછાયા.

(સુરતા, પૃ. ૧૦૧)