કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પગલે પગલે


૧૬. પગલે પગલે

પગલે પગલે પંથ કપાય.
જીવન કેરી જબરી જાત્રા પગલાંથી શરૂ થાય,
પગલે પગલે પંથ કપાય.

મહાન સાગરનાં જળ નાવિક તરી હલેસે જાય,
ઉચ્ચ શૃંગ પર પગલે પગલે નિશ્ચે પહોંચી જવાયઃ
પગલે પગલે પંથ કપાય.

હોય પંથ સત તીરથ જાતો, ચિંતા પછી ન કાંય,
હૃદયે હૃદયે મોહનમૂર્તિ વસી બની જગરાયઃ
પગલે પગલે પંથ કપાય.

અણુ અણુ બ્રહ્માંડ વિસ્તર્યું, શ્વાસ શ્વાસ જિવાય,
કિરણે કિરણે નભમંડળનાં પુનિત તેજ પિવાયઃ
પગલે પગલે પંથ કપાય.

પહેલું પગલું કઠિન અતિશય, એ જો જીવ! ભરાય,
ફેરા લખ ચોરાશી ભવના પ્રેમે પૂરા થાયઃ
પગલે પગલે પંથ કપાય.

વિરાટ નિરખી વિશ્વવાટ, કાં વામન! નિરાશ થાય?
માપી જો, તારા ત્રણ પગલે સારી જહાં મપાયઃ
પગલે પગલે પંથ કપાય.

(રામરસ, પૃ. ૮૭)