કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/લગી ભજનની ઠોર
લગી ભજનની ઠોર,
મનવા! લગી ભજનની ઠોર.
અવ ન લેશ ઉકળાટ હૃદયમાં, વીતે પ્હોર પર પ્હોર.
મનવા! લગી ભજનની ઠોર.
તન તંબૂરો, મન મંજીરા, એક સૂર લય તોર,
શ્યામ નિશા, અરુ મધુર લહરિયાં, સકલ શાંત ચહુ ઓર
મનવા! લગી ભજનની ઠોર.
ભેદી વ્યોમ ચમકે ચાંદલિયા, ચડ્યે ગગન ઘનશોર!
નટવર શું નટવો થઈ નાચે સામ સૂરને દોર!
મનવા! લગી ભજનની ઠોર.
અહો અજબ આહ્લાદ! દૂર ફરફરે કિરણની કોર,
મોદમત્ત મન હાથ રહે નહિ, હાથવેંત અવ ભોર!
મનવા! લગી ભજનની ઠોર.
(રામરસ, પૃ. ૧૪)