કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/વાગ્યો બેહદ પડો
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.
તંબૂરાની તાનો તૂટી,
ભજનોની ભાષા ખૂટી,
મનડું ગયું કો’ લૂંટી લૂંટારો વડો!
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.
અખિયાં મિંચાઈ મારી,
ઝળાંઝળાં મનની બારી,
છલકાવે સૃષ્ટિ સારી કોણ કેવડો!
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.
કોણ એ, ને ક્યાંથી આવ્યો?
પૂરણપણે ના ફાવ્યો,
ઉદય થયો ને આડો ગિરિ છે ખડો!
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.
તેજ જોઈ તલપે નેણાં,
કંઠમાં ખૂંચે છે વેણાં,
ગુરુદેવ! વારે મારી ચડો રે ચડો!
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.
(રામરસ, પૃ. ૧૩)