કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/શબદુની વાટે


૨૨. શબદુની વાટે

જ્યોતિ ઝગે રે મોંઘાં મોતી તગે રે,
શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.
પરમ રસે પેટાયાં
રૂડાં રૂપલાં મેરાયાં,
એનાં અંજવાળાં, એને કોઈ નો લગે રે,

શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.
દવ દાહ બાળી નાખ્યા,
સમ શીત અગનિ રાખ્યાં,
મર કાળઝંઝા ફૂંકે, નહીં એ ડગે રે,

શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.
ઘડી મરમંડે છાતી,
ઘડી ઘટડે ઘેરાતી,
ઘડીમાં ઝગે રે વ્યોમે, ઘડીમાં દેગે રે,
શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.

ઝલકું સરોદે જોઈ,
શુધ બુધ એમાં ખોઈ;
સુરતા સમાલી એની ઊજળી શગે રે,
શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.

(સુરતા, પૃ. ૮)