કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સૂણો રે સુરતા
અમે રે માટી કેરાં કૂલડાં,
તમે રે પાણી કેરી ધાર,
પાક્યાં રે હશું તો તમને ઝીલશું,
કાચેરાં લજવશું સંસાર.
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવનો અવતાર જી.
અમે રે વગડાઉ વનના વાયરા,
તમે રે ફૂલડાંની સુગંધ,
ન્યારા રે હશું તો જાશું થાનકે,
ખેરવશું નહિ અધવચ પંથ;
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવ-મનખા-બંધ જી.
તમે રે નખલી છો મારા નાથની,
અમે રે તંબૂર કેરા તાર,
સ્વર જો સુહાગી ઊઠે ધન્ય તો,
નહીંતર વૃથા અમ ઝણકાર;
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ ચેતનનો અવતાર જી.
અમે રે અંધારા ઘરનું કોડિયું,
તમે છો જ્યોતિવાળી વાટ,
તેલ છે અજરામર મારા નાથનું,
હળીમળી ઉજાળીએ ઘાટ;
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ વિશ્વંભરનો પાટ જી.
(રામરસ, પૃ. ૫૭)