કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કોઈ ના જાણે
૧૮. કોઈ ના જાણે
દર્દ એવું કે કોઈ ના જાણે,
હાલ એવો કે જે બધા જાણે!
શું થયું? તેય ક્યાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.
આ ભટકવું રઝળવું ચારે તરફ,
તારી પાસે જ રહી ગયા જાણે.
વાત આવી જ હોય તો શું કહીએ!
એ નથી કંઈ જ જાણતા જાણે!
એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો,
તારી મળવાની હો જગા જાણે.
એણે આપી ક્ષમા તો એ રીતે,
કંઈ જ સૂઝી નહીં સજા જાણે.
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.
(આગમન, પૃ. ૪૬)