કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/ખુદા ઔર

૫૦. ખુદા ઔર

એ એક છે પણ એની છે આ બન્ને દશા ઔર;
રાહતનો ખુદા ઔર, મુસીબતનો ખુદા ઔર.

આ સ્મિત કોઈ લાવે તો ખરું અંત સમય પર,
મૃત્યુ આ મારું ઔર છે – દુનિયાની કઝા ઔર.

આંખોથી તો એ કામ અદા થઈ નથી શકતું,
લાગે છે હશે કંઈ બીજી રોવાની કલા ઔર.

એ પણ હું કરી લઉં તારી રહેમત જો રજા દે,
સૂઝી તો રહ્યા છે મને બે ચાર ગુના ઔર.

તેથી તો તારા દર્દમાં લજ્જત નથી મળતી,
લાગે છે કે દિલમાં છે કશું તારા વિના ઔર.

બસ એ જ છે દુઃખ દર્દમાં સંતોષ અમારો,
એકાદ નહીં પણ હવે લાગે છે બધા ઔર.

દુનિયાની સજા ભોગવી, ઊંઘો ન નિરાંતે,
બાકી છે હજી એક કયામતની સજા ઔર.

કંટાળીને આખર એ કદી સાંભળી લેશે,
એક બાદ, પછી બીજી, પછી ત્રીજી દુઆ ઔર.

આસાન નથી દર્દ મહોબતનું સમજવું,
કે એક પછી બીજી મને સૂઝે છે દવા ઔર.

બરબાદી જીવનની તો અસર કંઈ નથી મળતી,
લાગે છે હશે મારા ગુનાહોની સજા ઔર.

લેવા હો અગર શ્વાસ તો બંનેનો ફરક જાણ,
સહરાની હવા ઔર છે, દરિયાની હવા ઔર.

છે ઘોર નિરાશા કે સમયની છે કરામત,
હું પણ ન રહ્યો ઔર, તમે પણ ન રહ્યા ઔર.

એની ન મને આપ સમજ ઓ દયાનિધિ,
માગેલી ક્ષમા ઔર છે, આપેલી ક્ષમા ઔર.

દોઝખમાં – ન જન્નતમાં, ન દુનિયામાં છે આનંદ,
ચાલ આવ જરા જોઈએ એકાદ જગા ઔર.
(નકશા, પૃ. ૬૭-૬૮)