કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/ખ્વાબ આપીને

૧૨. ખ્વાબ આપીને

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા!
ને મારા હાથમાં એક ફૂલછાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને.

પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે,
ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને.

છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા,
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’,
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.
(આગમન, પૃ. ૨૪)