કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/જિંદગી લીધી

૪૮. જિંદગી લીધી

કહેવાને કાજ આમ અમે જિંદગી લીધી,
એમાંથી જીવવાની ઘડી બે ઘડી લીધી.

અલ્લાહની સામે છે – એ સુલેહ શાંતિનો ધ્વજ,
તેથી અમે કફનમાં સફેદી લઈ લીધી.

હે કૃષ્ણ, દે ખબર કે જઈ બેસું છાંયમાં,
જે ઝાડની શાખામાંથી તે વાંસળી લીધી.

પૂછો આ પ્રશ્ન કોઈ જવાબ આપશે નહીં,
કે આ જગતમાં ક્યાં ક્યાં મજા – ક્યાં સુધી લીધી.

જો જો જરાકે ચેતો, હવે હાલ શું થશે?
એક પ્યાલાના પ્યાસાએ – સુરાહી ભરી લીધી.

દુઃખ થાય છે હવે મને એની ન યાદ આપ,
જુઠ્ઠી હતી મજા જે લીધી બસ લીધી લીધી.

નબળી ક્ષણોને તારી સમજતો હતો છતાં,
નબળી ક્ષણોને તારી, કોઈ તક કદી લીધી?

બાકી બીજું તો એમાં સમજવાનું શું હતું?
શ્રદ્ધાના નામે ધર્મની ઈઝ્ઝત કરી લીધી.

મહેનત વગર ‘મરીઝ’ કલાકાર થઈ ગયો,
મૂર્તિ તમારી ખુદ દિલે કોતરી લીધી.
(નકશા, પૃ. ૫૩)