કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/જુલમ
૪૩. જુલમ
મેં મહોબ્બતમાં લખ્યા છે ગઝલના શે’રો,
દિલથી નીકળે છે એ ફરિયાદના નકશાઓ છે;
ઝૂમી ઊઠે છે હૃદયવાળા, નિરંકુશ થઈને,
એટલા દર્દભર્યા યાદના નકશાઓ છે.
પ્રેમમાં હોય છે સંભાવના જે વાતોની,
મેં વણી લીધી છે ગઝલોમાં કલાની સાથે;
સૌ એ સમજે છે કે આ તો છે અનુભવ મારો,
એમ સંબંધ હું બાંધું છું બધાંની સાથે.
કિંતુ આ મારી ગઝલ સૌનો જે સધિયારો છે,
મારી ઉપર એ ગજબનાક જુલમ કરતી રહી;
રૂઝનું કામ બીજા માટે ને મારા દિલમાં,
લોહી ટપકી ન શકે એવા જખમ કરતી રહી.
પાત્ર જે મારી ગઝલનું છે એ મારી દિલબર,
મારી ગઝલોને જ્યાં વાંચે છે રડી જાએ છે;
શું જુલમ છે કે એ મારો જ સહારો લઈને,
એક પરાયાના વિચારોમાં પડી જાએ છે.
(આગમન, પૃ. ૧૬૨)