કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/દિલ બેકરાર છે

૪૫. દિલ બેકરાર છે

મીટ સૌની આમતેમ છે – દિલ બેકરાર છે,
જાણે અહીં બધાને તારો ઈન્તેઝાર છે.

દુઃખમાં જે હો ખુવાર તો એની દવા સુરા,
એનો ઉપાય શું જે સુરામાં ખુવાર છે.

એનાથી તો સરસ તારી અવહેલના હતી,
આ તારી આંખમાં જે ગલત આવકાર છે.

આ રીતથી બધાને સમેટી લીધા અમે,
તારા વિચારમાં જ બધાના વિચાર છે.

બન્નેમાંથી જરા જરા કંઈ ચૂંટણી કરો,
સુખ બેહિસાબ છે, અને દુઃખ બેશુમાર છે.

એ પણ છે એક મજા અહીં ચારે તરફ ફરો,
અંદર છે આવકાર છતાં બંધ દ્વાર છે.

હું પણ કશું કરું નહીં, એ પણ ન કંઈ કરે,
મારા જ જેવો આળસુ પરવરદિગાર છે.

આનંદ પણ મળે છે પરંતુ વ્યથાની સાથ,
કેવો વિચિત્ર, કેવો સરસ તારો પ્યાર છે.

મેં કેટલું પીધું છે તને શું કહું ‘મરીઝ’,
હમણાં તો જે પીવું છું નશાનો ઉતાર છે.
(નકશા, પૃ. ૧૮)