કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/મળતા થઈ ગયા
૧૩. મળતા થઈ ગયા
લોકમાં રહી મુજથી મળતા થઈ ગયા,
જે હતા નિંદક, તે પરદા થઈ ગયા.
તકની રાહ જોવી નથી મારું ગજું,
જે પ્રસંગો છે એ મોકા થઈ ગયા.
ક્યાં મિલન એનું ને ક્યાં મારા પ્રયાસ?
આપમેળે કંઈક રસ્તા થઈ ગયા.
મૌન સારું છે પરંતુ આટલું?
આપની સાથે અબોલા થઈ ગયા.
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા.
ઊંઘ હો કે જાગરણ બન્ને સમાન,
રાત દિવસ આમ સરખા થઈ ગયા.
થઈ ગયું એકાંત પૂરું ઓ ‘મરીઝ’,
અંતકાળે લોક ભેગા થઈ ગયા.
(આગમન, પૃ. ૩૧)