કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/લાગણી ગઈ

૧૬. લાગણી ગઈ

એની ઉપર હતી જે પ્રથમ લાગણી ગઈ,
સારું થયું એ વાત ન એના સુધી ગઈ.

તારા મિલનના પૂરતું હતું મઝહબી વલણ,
તું ના મળી, દુઆઓ ગઈ, બંદગી ગઈ.

ત્યાંથી ફકત પસાર થવાનું રહી ગયું,
એ ઘર ગયું, એ રાહ ગયો, એ ગલી ગઈ.

બીજી તરફથી કંઈક હજી માગવાનું છે,
તેથી તો દિલની વાત દુઆમાં નથી ગઈ.

કિસ્સો શરૂ થયો’તો ફક્ત તારા નામથી,
આગળ જતાં એ વાત અમારી બની ગઈ.

‘હા’ જ્યાં સુધી હતી તો હતી આપણા સુધી,
પણ ‘ના’ની વાત કેમ બધે વિસ્તરી ગઈ?

અમને હવે ન પૂછો હવે અમને યાદ ક્યાં?
ક્યાં ક્યાં અમારી લાગણી કેવી દુઃખી ગઈ!

વર્ષો વીતી ગયા હો ભલે ઇન્તિઝારમાં,
આવ્યા તમે તો લાગ્યું ઘડી બે ઘડી ગઈ.

આશાનો એમાં વાંક નથી માનજો ‘મરીઝ’,
એ કલ્પના હતી જે નિરાશા બની ગઈ.
(આગમન, પૃ. ૩૯)