કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/વિનાની લઈને આવ્યો છું

૩૧. વિનાની લઈને આવ્યો છું

મહોબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું,
કે ભર મહેફિલમાં એકલતા ખુદાની લઈને આવ્યો છું.

મને બાળી રહી છે તારી દુનિયાની અદેખાઈ,
સિતમ તારો, કે તારી મહેરબાની લઈને આવ્યો છું.

મળે છે તારી હસ્તીની ખબર મારી દુઆઓથી,
હું ખાલી હાથમાં તારી નિશાની લઈને આવ્યો છું.

જીવન આધાર છે જે તે હસે છે મારા રડવા પર,
નથી દરિયાથી વાકેફ એ સુકાની લઈને આવ્યો છું.

નભે છે સ્થિરતા પર બહાર દેખાતી ગતિ મારી,
સરિતા જેમ ઉપરની રવાની લઈને આવ્યો છું.

નથી હું આપમાં રહેતો, મને સોગંદ આદમના,
હું મારામાં જ જન્નતની નિશાની લઈને આવ્યો છું.

નથી મુજ વાતને મળતું સમર્થન એટલા માટે,
રહે છે ચૂપ સદા એની ઝબાની લઈને આવ્યો છું.

જીવનની સત્ય ઘટના એમ સાંભળતું નથી કોઈ,
બધે કહેવું પડે છે કે કહાની લઈને આવ્યો છું.

કદમ મારા પડે છે ત્યાં હું વેરાની નથી ચાહતો,
બગીચામાંથી ખાલી ફૂલદાની લઈને આવ્યો છું.

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
(આગમન, પૃ. ૧૦૩)
(આગમન, પૃ. ૪૮)