કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/શ્રદ્ધા મને

૧૪. શ્રદ્ધા મને

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.

કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.

હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.

થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી,
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને.

હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને.

આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’,
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.
(આગમન, પૃ. ૩૭)