કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/સમજાય છે સાકી
૩૫. સમજાય છે સાકી
હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી?
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી.
સુરા પીતાં જે મારાથી કંઈક ઢોળાય છે સાકી,
મને એમાં હજારોની તરસ દેખાય છે સાકી.
સુરાની વાત કેવી ઝેર પણ પી લે અગર કોઈ,
તો દુનિયામાં એ ચર્ચાનો વિષય થઈ જાય છે સાકી.
અસર આવી નથી જોઈ મેં વરસોની ઇબાદતમાં,
ફકત બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે સાકી.
ભલે એ સત્ય છે, પણ વાત છે જૂના જમાનાની,
નશામાં પણ હવે ક્યાં આદમી પરખાય છે સાકી?
‘મરીઝ’ આવા નશામાં પણ ઉઘાડી આંખ રાખે છે,
ખબર કોને કે એની આંખ ક્યાં મીંચાય છે સાકી.
(આગમન, પૃ. ૧૨૨)