કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/હસી ઉડાવું છું

૩૩. હસી ઉડાવું છું

સિતમ કરે છે કોઈ હું હસી ઉડાવું છું,
નવી જ રીતે મહોબ્બત કરી બતાવું છું.

મને દિલાસો ન દે આ રૂદન નથી મારું,
બીજાની આંખના આંસુઓ હું વહાવું છું.

આ મહેરબાની તમારી કે દુઃખ દીધાં એવાં,
ખબર પડે છે મને જિંદગી વિતાવું છું.

છે તારી રાહમાં આનંદ ખુદને ઠગવામાં,
કદમ ડગે તો કહું છું, કદમ ઊઠાવું છું.

નવી ખુશી કોઈ આવે છે જ્યારે જીવનમાં,
હું મારા પૂર્વ અનુભવને જોઈ જાઉં છું.

હજાર વાર હો એવી શરાબ પર લાનત,
જે પીને એમ કહું કે તને ભૂલાવું છું.

કહો મરણને કે લઈ જાય એનો હક હિસ્સો,
હું આ જગતમાં બધે જિંદગી લૂંટાવું છું.

સદાની શાંતિ ક્યાં છે નસીબમાં મારા!
કદી કદી હું જરા ભાનમાં પણ આવું છું.

હવે નજીક હું લાવી રહ્યો છું મંઝિલને,
હવે હું મારા તરફ પણ કદમ ઊઠાવું છું.

હજાર પ્રેમ છતાં આ જીવનની મજબૂરી,
અનેક વાત હું તારાથીયે છૂપાવું છું.

ગગન ઉપરથી નહિ, ઓ રવિ આ ધરતી પર,
હું સૌથી દૂર રહી, સૌને કામ આવું છું.

અહીં તો ખૂનનું પાણી થઈ રહ્યું છે ‘મરીઝ’,
અને જમાનો કહે છે ફરજ બજાવું છું.
(આગમન, પૃ. ૧૧૪-૧૧૫)