કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૮. દમ

૮. દમ

રહ્યાસહ્યા યૌવનને ચણતા
પંખીની પાંખોમાં
ધીમી હાંફ.

શ્વાસના રસ્તા રોકી
હુક્કાના અંગારા પરની રાખ
તાગતી પાંસળિયું–પાતાળ.

ઓટલે
કરચલીએ વીંટેલ ગાંસડી મૂકી
ઝૂકી ભીંત અઢેલી
બેઠેલા આકાર તણી
મીંચેલ આંખ પછવાડે
જાગે યાદ —
વીતેલું હંફાવે વેરાન.

મોતનાં દમિયલ પગલાં
ભીંત ઉપર પડઘાય,
નેજવે હોલું મૂંગું થાય!


૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૪૮)