કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ક્યાં છે પાણી?


૩૨. ક્યાં છે પાણી?

બંને કાંઠે મનપંખીની પાંખ બિડાણી
સાવ સૂનો અવકાશ ઊડતો ક્યાં છે પાણી?

આભ-ધરાનો નાતો તૂટ્યો કેમ અચાનક?
વાદળની ઓ પાર થકી નવ આવે વાયક.
ધુમ્મસ ઓઢી તારક સૂતા નીંદર તાણી.

ઝાકળના પાણીનો કણ પણ ક્યાં છે ક્ષણમાં?
છેક ઊંડેથી ખેંચ્યું જળ ધરતીની વ્રણમાં.
શેષશાયીનું સ્તવન વીસરી સાગરવાણી.

હું નીસરું નિર્ઝરને કાંઠે છાયા શોધી.
રણમાં રમતી પવનપાવડી કોણે બાંધી?
મૃગજળ પીતી જલકન્યા ઝંખે સરવાણી.
૧૩-૧૦-૨૦૦૦

(પાદરનાં પંખી, ૨૦)