કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/પાદરનાં પંખી


૩૭. પાદરનાં પંખી

ખેતરમાં
બપોરનું ભાત આવે એ પહેલાં
મારા એકાંતમાં મોરનું પીંછું ઊતરી આવ્યું.
ગોઠમડું ખાઈ કપાસના છોડ જોડે ઊભું રહ્યું.
ક્યાં છે મોર?
જોવા બેઠો થાઉં ત્યાં
જુવારના કણસલા પર બેઠેલા પોપટે
મને આગંતુક માની સામે જોયું.
મેં માફી માગી એની મનોમન
બોલું તો કદાચ મોં ફેરવી લે...

રજા રાણવા મેં લંબાવ્યું છે
લીંબડીના છાંયડે,
પંખીલોકને રોકવા કે ટોકવા નહીં.
નથી હું રખેવાળ.
માલિક તો હતા મારા બાપદાદા,
વારસામાં આ છાંયો મળ્યો છે.
જાણે કે એ સાથેય સંમત નથી આ પંખીડાં.
પિતાજી ગોફણ વીંઝતાંય બે કડી ગાતા
બે કડવાં વેણ કહીનેય આ પાંખો અને
આંખોના સગા રહેતા.

હું તો એકલપંડો
જાત સાથે વાતે વળનારો.
સંવાદની બોલી સૂઝે કે નયે સૂઝે.

એમ તો મને થોડુંક સમજાય છે
ઈશ્વરનું આ કમઠાણઃ જીવ-શિવનું વતન.
આ છોડને ધરતીએ ઉગાડ્યો છે,
આકાશે પોષ્યો છે.
દાણામાં દૂધ પૂરવાની કળા તો કુદરત જાણે
કણસલું ભરાય પછી
પોપટભાઈ એને લઈ જાય કે કાળો કોશી
મને શું કામ પેટમાં દુખે?
હું ક્યાં તાજા દાણા ચણું છું?
ઘર છે તો ભાતું પણ આવશે વહેલું મોડું.
ભૂખ મરશે નહીં, ઊઘડશે.

આ પેલી કોયલને મેં કદી ખાતાં ન જોઈ
ગાવાથી જ એના વાલીડાની ભૂખ ભાંગતી હશે?
ગણતરીમાં કાચો કાગડો
તારાં ઈંડાં સેવે એ સાચું.
ને તાકે આ ઝાડ ઊંચું.
છેક ટોચે માળો બાંધે
એ ચોમાસે હેલી થાય, રેલ આવે.

નાહી રહેલી હવેલીમાં શ્રાવણનું
સંગીત આરંભાય,
એ દિવસો દૂર ગયા, બાળપણ જેટલા.
‘પીયુ પીયુ પપૈયા ન બોલ’
મૂર્તિની પાછળથી મીરાંએ ગાયું.
અહીં હોલારવ શરૂ થયો.
રાસભાઈ કહે છેઃ
હોલો પ્રભુનું નામ દઈ
માણસને સંગીત શીખવે છે.
મંદિરમાં રહેલા બાળ પ્રભુ
થાળ જમીને પોઢી જાય છે.

અહીં મારી સાથે જાગે છે
કાબરનો કોલાહલ ભૂખ્યો,
કાંસીજોડા જેવો લુખ્ખો.
પરગામના બગડેલા માઇકની વ્હીસલ
લીંબડાની છાયાને હલાવી જાય છે
મને તાપ લાગે છે.
ઊભો થઈ આંખે નેજવું કરી
ગામ ભણી જોઉં છું.
ત્રીજા ખેતરમાં ગારવણ ચાલે છે.
બગલાં ઊતરી આવ્યાં છે આખા મલકનાં.
હંસ તો માનસરનો હોય
મોતીનો ચારો ચરે સંતોના શબ્દો સમો.
આ બગલાં એમની યાદ આપે છે
એય ઓછું ન કહેવાય.

ક્યારેક અહીં સુરખાબની જોડ આવે,
આકાશ ખૂંદી વળ્યા પછી
ખેતરને શેઢે ઊતરે.
હાજરી પૂરી જાય આપણી.
આપણે વટેમારગુ છીએ કે વસવાયા?
ચિત્રગુપ્તનો ચોપડો જાણે
સુરખાબની આંખોમાં ન હોય!

કુદરતે ખેડૂતને વસાવેલો ખોળામાં.
જે આળસુ નીકળ્યો એને બેસાડ્યો ચોરામાં.
મને તંદ્રામાં જોઈ ચેતવતાં હોય એમ
વાડમાં ફરક્યાં તેતરઃ
‘ઊઠ, વાવેતર જોઈ લીધું તો વાટ પકડ’
ત્યાં પાછળથી આવ્યાં કબૂતર.
એમને છજાને છાંયે નિરાંત હતી
તો અહીં શું કામ આવ્યાં વગડામાં?
મને સામો સવાલ કરતાં હોય એમ
એ ઘૂ ઘૂ કરવા ગોઠવાયાં.
જાન્યુઆરી ૨૦૦૨

(પાદરનાં પંખી, ૩૪-૩૭)