કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/વળતા અવસરમાં


૩૧. વળતા અવસરમાં

દૂર વિતાવી દિવસો પાછો આવું ઘરમાં,
શેરી આંગણ ઉંબર નવતર થાય નજરમાં.
નાનાં મોટાં સગાં સંબંધી હળેમળે ત્યાં
હૂંફ બને છે અજવાળું કેવું અંતરમાં!
કોણ પારકું કોણ પડોશી ભેદ ભુલાતો
ઝાડપાન ફૂલ દેવળ બનતાં એક લહરમાં.
એક શિખરની છબિ સૂર્યનાં કિરણ એક બે
થંભ થયેલા ઝરણાને જગવે જીવતરમાં.
નિરાકારના નિવાસ જેવું આભ આંખમાં
શેષશાયીનું સ્મરણ જાગતું સચરાચરમાં.
સુંદર છે આ જગત બ્હાર જો જરાક જઈએ.
સુંદરતર સગપણ લાગે વળતા અવસરમાં.
૯-૧૧-૯૯

(પાદરનાં પંખી, ૨૦૦૭, પૃ. ૧૨)