કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/વાવેતર


૩૪. વાવેતર

ખેતરની કેડીએ પંખીનાં પગલાંમાં
દોરીને શૈશવના ચાસ,
આંબા ને લીંબડાની ટોચે ચઢીને અમે
આંખોમાં વાવ્યું આકાશ.

ગાડામાં બેસીને ગામતરે ગ્યા’તા ને
જોયા’તા વહાલાના વાસ,
દોડી ગયેલ એક કન્યાના ઝાંઝરના
ઝણકારે થ્યા’તા ઉદાસ.

પાછા વળાય એમ નો’તું ને યાદ હજી
કાચું ને લીલુંછમ ઘાસ
આંગણાની લાગણીઓ ઓછી પડતી’તી કે
સીંચાયા આંસુથી શ્વાસ.

પાલવમાં પોઢંતાં જાગે ત્યાં
હાલરડે ઊઘડતો લયનો ઉજાસ,
વાણીના અર્થો શા ઓઘલવા લાગ્યા ને
બાજરિયાં ડોલે ચોપાસ.

પાદરનાં પંખીનું ગાન નવું સાંભળવા
ઊભો છું શેઢે લઈ આશ.
૭-૧૦-૦૧

(પાદરનાં પંખી, ૨૯)