કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૭. રમેશમાં
૨૭. રમેશમાં
રમેશ પારેખ
શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં?
મળતા નથી રમેશના રસ્તા રમેશમાં.
ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે,
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં.
ખોદો તો દટાયેલું કોઈ શહેર નીકળે,
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં.
અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે,
અર્ધા રમેશના છે ધુમાડા રમેશમાં.
આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં.
ફરતું હશે કોઈક વસંતી હવાની જેમ,
આજે ઝૂલે છે એકલાં જાળાં રમેશમાં.
ઈશ્વર, આ તારી પીળી બુલંદીનું શું થશે?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં.
જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં.
૯-૧૨-’૭૨/મંગળ
(છ અક્ષરનું નામ, પૃ. ૨૭૭-૨૭૮)