કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૩. રંગલીવિલાપ–૨


૩૩. રંગલીવિલાપ–૨

રમેશ પારેખ

થાણે જઈને ઊભા રહ્યા ને ગુનો કર્યો કબૂલ, જમાદાર મોરબીના,
અમે અમારી ભીંતે અમથું ચીતરી બેઠા ફૂલ, જમાદાર મોરબીના.

તૂટેલું પાંદડું કહે કે, સામે ઝૂલે તે ઝાડવું મારું છે,
કોઈ કહેઃ આ અજવાળું છે, કોઈ કહે કે, ભૂલ, જમાદાર મોરબીના.

કાંકરી જેવો ઝીણો ઉજાગરો હવામાં પાડતો કૂંડાળાં,
અમે બજારમાં ખોબો ધરીને પૂછ્યાં એનાં મૂલ, જમાદાર મોરબીના.

ભરી બજારના અંધારામાં દીવાની જેમ હાથ સળગે છે,
અહીં તો અઢળક મોઢાં ને અમને જડી ન ચપટી ફૂંક, જમાદાર મોરબીના.

મોરબી વચ્ચે મચ્છુ વહે એમ ચીસ વહે અમ સોંસરવી,
ડૂબ્યા ખખડધજ લોહી ને ડૂબી જીવની પાંચે ટૂંક, જમાદાર મોરબીના.

આવી ચડે કોઈ ખિસકોલી તો ઘરનું અંધારું મારું નંદવાતું,
આવા તે એકલવાસમાં ઊભું નીંદરનું ખંડેર, જમાદાર મોરબીના.

અમે તો કોઈ વાર ધ્રાસ્કો, કોઈ વાર ડૂમો, તો કોઈ વાર ભણકારા,
ગળથૂથીમાં પીધું હતું તે ચડતું આજે ઝેર, જમાદાર મોરબીના.

૨૧-૩-’૭૬/રવિ
(છ અક્ષરનું નામ, પૃ. ૩૧૭)