કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૪. મના
૩૪. મના
કે નયણાં!
મત વરસો, મત વરસોઃ
કે નયણાં!
વરસીને શું કરશો?
રે નયણાં! મત વરસો, મત વરસો.
આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખુંઃ
તો દર્દીલાં ખારાં જલનું
ક્યાંથી થાશે લેખું?
રે નયણાં! મત વરસો, મત વરસો.
મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો ક્યાં ખરશો?
દુનિયાદારીના દરિયામાં
અમથાં ડૂબી મરશો.
રે નયણાં! મત વરસો, મત વરસો.
કોઈ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઈને કરગરશો?
રે નયણાં! મત વરસો, મત વરસો.
(દીપ્તિ, પૃ. ૧૦૧)