કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/અમને તડકો આપો

૩૨. અમને તડકો આપો

કાળા કાળા અંધકારની સડકો પાડે સાદ :
અમને તડકો આપો;
અમે કાચબા જેવા : અમને સસલાં આવે યાદ :
અમને તડકો આપો!

તડકો ઝાડપાન પર ચળકે,
તડકો મોતી જેવું મલકે;
તડકો તરતો રહ્યો ઉમળકે.
તમે અમારી અડખેપડખે : પછી નથી ફરિયાદ :
અમને તડકો આપો!

તડકો વ્હાલો વ્હાલો લાગે,
જળમાં ખીલ્યો : સુંવાળો લાગે;
તડકો સાંજ સરે ને ભાગે.
સૂરજમુખીને હૈયે ગુંજે એક જ અનહદ નાદ :
અમને તડકો આપો!

૧૯૭૨(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨૫૫)