કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/એકલો દરિયો

૧૯. એકલો દરિયો

આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો;
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો!

બપોરના સૂરજમાં એની એકલતા અમળાય
અને રાતના અંધારું થઈ એકલતા સંભળાય.
રંગરંગની માછલીઓ ને મોતી તોયે સાવ એકલો દરિયો!
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો!

પંખીની છાયામાં દરિયો કણસે ખારુંખારું,
તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો!
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો!

૧૯૬૮(કાવ્યસૃષ્ટિ, પૃ. ૮૭-૮૮)