કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/કાંટાની ભૂલ
૪. કાંટાની ભૂલ
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા,
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ: ઊન્હે પ્હોર જાણે પીપળો;
વેણુના વ્હેણમાંહી ડૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
એકલીને આંહી બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહૂકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા;
૧૯૫૯(કાવ્યસૃષ્ટિ, પૃ. ૬)