કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/ઘૂંટડો
૬. ઘૂંટડો
મેં તો મટુકીમાં છલકાવ્યાં મધમીઠાં નીર :
તમે પીધો નહીં એકાદો ઘૂંટડો લગીર!
હું તો આશભરી આજ લગી ઊભી અધીર :
તમે પીધો નહીં એકાદો ઘૂંટડો લગીર!
ઝૂરે આ ગાગર ને કૂવાનો કાંઠડો :
પંથે પથરાઈ ઝૂરે લીલુડો લીમડો.
છાંયડામાં શીતળ આ સળગે સમીર :
તમે પીધો નહીં એકાદો ઘૂંટડો લગીર!
એક જ આ વાત વસી મારે રે સોણલે :
ઝીણેરી ધાર તમે ઝીલી લ્યો ખોબલે.
કૂજે મનના આ મધુવનમાં કોયલ ને કીર :
તમે પીઓ જો એકાદો ઘૂંટડો લગીર!
૧૯૬૨(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨૧)