કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/નામ લખી દઉં
૧. નામ લખી દઉં
ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી લઉં!
અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા,
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે...
ત્યાં તો જો —
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે...
વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ...
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી દઉં.
તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!
૧૯૬૩(કાવ્યસૃષ્ટિ, ૧૯૮૬, પૃ. ૧)