કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મીરાં

૩૦. મીરાં

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે :
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે!

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે :
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે!

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે :
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે!

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે :
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે!

૧૦-૭-૧૯૭૧(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨૪૬)