કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/રાહ જોઉં છું

૪૦. રાહ જોઉં છું

કોઈ રસ્તાની ધારે ધારે બેસી સાંજ સવારે
તારી રાહ જોઉં છું.
ઊડતાં ઊડતાં પંખીઓ પણ તારું નામ પુકારે
તારી રાહ જોઉં છું.

તારું નામ લઈને આભે સૂર્યોદય પણ થાતો.
સૂરજ તારું નામ લઈને સાંજે ડૂબી જાતો.
કદીક આવશે તું : એવા અગમતણા અણસારે
તારી રાહ જોઉં છું.

વનની કેડી વાંકીચૂંકી : મારી કેડી સીધી.
મેં તો તારા નામની મીઠી કમલકટોરી પીધી.
રાતની નીરવ શાંતિ : એના રણઝણતા રણકારે
તારી રાહ જોઉં છું.

૯-૬-૧૯૮૪(કાવ્યસૃષ્ટિ, પૃ. ૬૪૧)