કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૦. હમણાં


૨૦. હમણાં

(કટાવ)

હમણાં
નળિયાંમાંથી ટપક્યું એવું નેવું –
ફળિયું ફાલ્યું!

હમણાં
આંખો મીંચી બેઠેલું તડકીનું ચકલું
ફડક દઈને ઊડ્યું…

હમણાં
અલક-મલકનું આછેરું અજવાળું
કોણે આંખે આંજ્યું!
વાસણ-કૂસણ ગાર અને ગોરમટી ખીલ્યાં,
ઘર આખાને કોણે માંજ્યું!

હમણાં
રણક ઝાંઝરી ઝણકી
ને કંઈ રતૂમડી ભાતીગળ ભીની યાદ હવામાં લ્હેરી.

હમણાં
કેમે કરતાં સમજ્યું ના સમજાય –
નિરાંતે પછીતને પડછાયે પોરો ખાતી વેળા ડણકી
ને મેં રજવાડી આળસ થોડી ખંખેરી, થોડી પ્હેરી…

હમણાં
ઘુઘરિયાળી ઘોડાગાડી ઘરની પાસે અટકી!
ડિસે. ’૭૧
(જળમાં લખવાં નામ, પૃ. ૮૨)