કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૪. અડવાની આત્મરતિ


૨૪. અડવાની આત્મરતિ

અડવો રહી રહી ચીનવેઃ આ તે કેવો કેર!
બધું ઠેરનું ઠેર, ક્યાંક કશી હલચલ નહીં?

લખી કવિતા સામટી ને અંતે રળ્યો ઇનામ;
કોઈ ન લેતું નામ, નહીં નામની સ્વીકૃતિ!

ખાખર-ખિસકોલી કદી જાણે સાકર-સ્વાદ?
રગે રગે અવસાદ અડવાને વ્યાપી ગયો.

અંતે અડવાએ કશો નિશ્ચય કીધો એમ –
હોય હેમનું હેમ; પંડે ઘાટ ઘડી લિયેં.

પંડરચ્યાં કાવ્યો ભલે, કરું વિવેચન આપ;
એવો પાડું તાપ તખલ્લુસો ધારણ કરી!

પાછું મન પાછું પડે, એવું તે શેં થાય?
અડવાનો પર્યાય કેવળ અડવો એક છે.

(જળમાં લખવાં નામ, પૃ. ૧૦૩)